જાપાનને આફતના સમયનું રોલ મોડેલ બનાવવા જેવું છે ..

ભવિષ્યવેતાઓએ પૃથ્વીના વિનાશ કે પલકવારમાં પ્રલયની જે આગાહી કરી છે તેનું એક મિનિટનું ટ્રેલર કે ટચુકડી જાહેરાત જેટલી ઝલક કુદરતે પૃથ્વીવાસીઓને ગત શુક્રવારે ઉત્તર જાપાનમાં સદીના સૌથી મોટા ધરતીકંપ અને સૂનામીથી થાપટો થકી બતાવી. જાપાન માટે ધરતીકંપ કંઇ નવો અનુભવ નથી. તેઓનાં બાંધકામ પણ એવા છે કે ધરતીકંપ વારંવાર થવાના છે તેવા ઝોનમાં હોઇ ‘શોક એબ્સોર્બ’ અને ‘બેરંિગ વ્હીલ’ના સિઘ્ધાંતને નજરમાં રાખીને બાંધકામ કરવામાં આવે છે. જેમ કારમાં તમે ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થતા હો અને તે તે સડસડાટ દોડતી હોય ત્યારે અંદર બેઠા હોવા છતાં તમે ‘શોક એબ્સોર્બબર’ ટેકનોલોજીના કારણે એટલી હદે ઉપર-નીચે હડદોલા નથી ખાતા તે જ રીતે જાપાનમાં ઈમારતોના પાયામાં ઈમારત જમણેથી ડાબે અને ડાબેથી જમણે ધરતીકંપના ગમે તેવા આંચકા વખતે લોલકની જેમ ગતિ કરીને ફરી ધરતીકંપ શાંત થઇ જતા ‘‘જૈસે થે’’ની સીસ્ટમ ધારણ કરી લે છે. આ માટે ઈમારતોના પાયા અને બાંધકામ તે પ્રકારના ‘શોક એબ્સોર્બર’ કે ‘બેરંિગ વ્હીલ’ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

૮.૯ રીચટ્‌ર સ્કેલના સદીના સૌથી ભીષણ ધરતીકંપ છતાં જાપાનમાં તમે જોયું હશે કે તે હદે જાનહાનિ નથી થઇ. જે પણ મૃત્યુઆંક છે તે સૂનામીને કારણે થયો છે. જાપાન જે બેલ્ટમાં દેશ તરીકે આકાર પામ્યું છે ત્યાં સદીઓથી ધરતીકંપ જાણે ૠતુચક્રનો એક ભાગ હોય તેમ અવારનવાર નાના-મોટા આંચકાઓ આવતા જ રહ્યા છે. ૧૯૨૩માં ટોકિયો નજીક આવેલા કાન્ટો વિસ્તારમાં આવેલા ધરતીકંપમાં એક લાખથી વઘુના મૃત્યુ થયા હતા. આજે પણ આ ફોલ્ટ લાઇન સક્રિય છે. ૧૯૯૫માં જાપાનના કોબે નજીકના ધરતીકંપમાં ૬૦૦૦ના મૃત્યુ થયા હતા અને ૪,૧૫,૦૦૦ને ગંભીર ઈજા થઇ હતી. આજે પણ જાપાનમાં જે હજારો અપંગો છે તેને આ માટે આ ધરતીકંપ જવાબદાર છે. તે વખતે અઢી લાખ જેટલા મકાનો પડી ગયા હતા. ૧૯૯૫નો કોબેનો ધરતીકંપ જાપાનની પ્રજા, બાંધકામ ઉદ્યોગ અને સરકાર માટે ટર્નંિગ પોઇન્ટ બની ગયો. જાપાનની પ્રજા અને તેના પ્રતિનિધિઓએ સંકલ્પ કર્યો કે ધરતીકંપમાં જે પણ જાનહાનિ અને નુકસાન થાય છે તે ઈમારતો હેઠળ દટાઇ જવાથી થાય છે. શા માટે આપણે અત્યારે જે ઈમારતો છે તેને અને નવી જે પણ બનવાની છે તે નાની-મોટી તમામ ઈમારતો-ઘરોને ધરતીકંપ સામે ઝીંક ઝીલી શકે તેવા ના બનાવવા?

કેન્દ્ર સરકારે જાપાન ધરતીકંપ પ્રતિકાર કે સજ્જતા જેવું નામ ધરાવતી એક કમિટિ બનાવી. જેના અંતર્ગત રાષ્ટ્રવ્યાપી અપીલ કરવામાં આવી કે તમે તમારા ઘર, નાના-મોટા તમામ કોમ્પલેક્ષ, બહુમાળી ઈમારતોની ધરતીકંપ સજ્જતા ચકાસો. આ માટે પ્રત્યેક શહેરોમાં જેમ આપણા શરીરનો એક્સ રે કે ડીજીટલ આરોગ્ય ચેકંિગ થાય તેમ પ્રત્યેક ઈમારતોનું સઘન ચેકંિગ અદ્યતન સેન્સર સાધનો સાથે થયું. આ માટે ચેકંિગ નિષ્ણાતો અને સ્ટ્રકચરલ એન્જીનિયરોએ માનવીય અભિગમ દાખવતા ખૂબ જ નજીવી ફી લીધી હતી. બીજા તબક્કે જે પણ જૂના અને જર્જરિત મકાનો હતા તેઓને કોર્ટનો સ્ટે જેવા લફરા કોઇ ધુસાડીને ઢીલ ના મૂકે તે માટે વિશેષ કાયદો બનાવાયો. એક વખત કમિટિ નક્કી કરે પછી તે મકાનને તોડી જ પાડવાનું. જે ઈમારતોમાં ધરતીકંપ પ્રતિકારકતા ઓછી જણાય તેના માલિકોને કઇ પઘ્ધતિથી ઈમારત ફરી ‘રીએન્ફોર્સ’ કરાવવી તેની રાષ્ટ્રજોગ પઘ્ધતિ અને માર્ગદર્શિકા આપવામાં આવી. રેડિયો અને ટીવી ચેનલોમાં પણ અવારનવાર ધરતીકંપ બાબતની જાગૃતિ અંગે ચર્ચા, ટીપ્સ રજુ થતા જ રહે છે. મહદઅંશે બધાના ઘરોમાં ભય સૂચવતી સાયરનના જોડાણો અપાયા છે.

જે ઈમારતો ધરતીકંપ પ્રૂફ નહોતા તે તમામને મજબુત બનાવવાના ખર્ચા માટે સરકારે ખૂબ જ નજીવા વ્યાજથી લોન આપવાની યોજના બનાવી. ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું હોય અને માનવતાવાદી વલણ હોય ત્યાં જ આવા રાષ્ટ્રીય ઉત્થાન જોઇ શકાતા હોય છે.

જાપાનની સરકારે એન્જીનિયરોની એક પેનલ બનાવીને જુદી જુદી ઉંચાઇના બાંધકામ માટે કઇ રીતે પાયા અને સ્ટ્રકચરની મજબુતાઇનો માપદંડ હોવો જોઇએ તેના નિયમો તો બહાર પાડ્યા જ પણ પાયા અને બાંધકામમાં સંશોધીત કઇ પઘ્ધતિ અપનાવી શકાય તેનાથી બિલ્ડરોને ઠેર ઠેર વર્કશોપ અને સેમિનારો યોજીને માહિતગાર કરાયા હતા. તો બીજી તરફ બાંધકામમાં વપરાતા મટિરિયલ અને પાયામાં સ્ટીલનો મહત્તમ ઉપયોગ કરવાની હિમાયત થઇ. નાના અને મિડિયમ મકાનોમાં લાકડા પર ભાર મૂકાયો. ‘શોક એબ્સાર્બર’ અને ‘સ્ટીલ બેરંિગ’નું પ્રણેતા જાપાન બન્યું. ધરતીકંપ પ્રૂફ મકાનો ના બનાવ્યા હોય તેવા બિલ્ડરોની યાદી પ્રસારણ માઘ્યમોમાં જાહેર કરી દેવાય છે. મોટેભાગે તો અતિ કડક નિયમો તેમજ તેમની પ્રતિષ્ઠાના ભોગે કોઇ ડેવલપરને માટે ધરતીકંપ પ્રૂફ ના હોય તેવું બિલ્ડીંગ બનાવવાનું શક્ય જ નથી. સરકારની પેનલ અને ગ્રાહકો જ જ્યારે ઈમારતનું પાયાનું કામ ચાલે ત્યારે તે સાઇટની મુલાકાત લે છે.

બીજી તરફ ધરતીકંપમાં કેવા પ્રકારનું બાંધકામ હોવું જોઇએ તે માટેનું વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગ માટેની વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા જાપાને ટોકિયો અને કોબે નજીક ઊભી કરી છે. વિશ્વના અમેરિકા સહિતના ‘રંિગ ઓફ ફાયર’ હેઠળ આવતા દેશો (ધરતીકંપ કે જ્વાળામુખીનો સૌથી ભય ધરાવતા પેસિફિક દેશોનું જુથ ‘‘રંિગ ઓફ ફાયર’’ તરીકે ઓળખાય છે.)ના બાંધકામ નિષ્ણાતો જાપાનના અર્થક્વેક રીસર્ચ સેન્ટરમાં તેમના સ્ટડી પેપર્સ રજુ કરતા હોય છે. આમ જાપાન એક તરફ ધરતીકંપ સામે ન્યુનતમ જાનહાનિ અને વિનાશ થાય તે માટેની બાંધકામ પઘ્ધતિ અને બીજી તરફ ભાવિ સંશોધનો માટેનું વૈશ્વિક હેડ ક્વાર્ટર બનતું ગયું છે.

જાપાન સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ વઘુ એક સજ્જતા પ્રજાને માનસિક મોરચે અડીખમ રહેવા આપી. ‘‘તમારી ઈમારત ગમે તેટલો ધરતીકંપ આવશે તો પણ જમીનદોસ્ત નહીં થાય. તમે જરાપણ ભાગદોડ મચાવશો નહીં. માત્ર કોઇ ડ્રાઇવર રફ ડ્રાઇવંિગ કરી રહ્યો છે અને તમે બસમાં આમથી તેમ થોડા ફંગોળાશો તેનાંથી વિશેષ ધરતીકંપ કંઇ વઘુ નુકસાન નહીં કરે. તમારી સમતુલા ટકાવી રાખજો.’’ નાગરિકોનું સતત આ રીતે મનોઘડતર થયું હોય છે.

તમે જાપાનના તાજેતરના ધરતીકંપના દ્રશ્યો જોયા હોય તો યાદ કરો કે ધરતીકંપની પળો વખતે કે તે પછી કોઇ ભાગદોડ, ધક્કામુક્કી, બારી કે ગેલેરીમાંથી પડતું મૂકતું હોય તેવી પણ એકપણ તસવીર નહોતી જોવા મળી. ઐતિહાસિક ધરતીકંપના પગલે ભાગદોડમાં કચડાઇને જ હજારોના મૃત્યુ થઇ શક્યા હોત. યાદ રહે કે સૂનામીએ ઉત્તર જાપાનના સેડાઇના દરિયાકિનારેથી ૪૦ કિલોમીટર વિસ્તારમાં તેની જળ તાકાત બતાવી હતી પણ ૮.૯ના સ્કેલનો ધરતીકંપ તો મહત્તમ જાપાને અનુભવ્યો હતો. છતાં માત્ર ધરતીકંપને કારણે થયેલા મૃત્યુનો આંક ૧૦૦ની સામે એકના મૃત્યુ જેટલો કહી શકાય. ૨૦૦૧માં કચ્છનો ધરતીકંપ ૭.૭ રીચર સ્કેલનો હતો. જ્યારે જાપાનમાં ૮.૯નો રેકોર્ડ ધરતીકંપ હતો જે અંદાજે સવા બે મિનિટ ચાલ્યો હતો. તે પછીની ૧૫ મિનિટમાં ૫.૧થી ૬.૮ વચ્ચે પાંચ આફટર શોક આવ્યા હતા. આમ છતાં પ્રજાના શિસ્ત અને સરકારની જાગૃતિ ઝુંબેશની વર્ષોની મહેનત પણ પરીક્ષામાં પાસ થઇ.

અલબત્ત આ બઘું ત્યારે જ થઇ શકે જ્યારે તમને નગરસેવકો, પ્રધાનો, સરકાર અને બાંધકામ ઉદ્યોગની માનવીયતા- વ્યવસાયિક એપ્રોચ અને દાનત પર વિશ્વાસ હોય. પ્રજામાં રાષ્ટ્રીય ખમીર હોય. આપણે ત્યાં કચ્છના ધરતીકંપ પછી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાથી માંડી માનવ પરિવાર તથા રાજ્યની આઘ્યાત્મિક, ચેરીટી સંસ્થાઓએ અદ્વિતીય માનવતાવાદી પુનઃસ્થાપન ધરતીકંપ બાદ ઉપાડી લીધેલું. નાગરિકોએ પણ પરસ્પર ઉદાહરણીય સંઘભાવના બતાવી હતી. પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કાયદાનું અમલીકરણ, ભ્રષ્ટાચાર, રાહત સામગ્રીમાંથી પણ કટકી, બિલ્ડરોની નફ્‌ફટાઇ તે તમામ મોરચે અતિ શરમજનક ધૃણાસ્પદ સ્થિતિ જોવા મળી હતી. હજુ પણ કેવી ઈમારતો અને બાંધકામો બેરોકટોક બનતા જાય છે તે આપણે જોઇએ છીએ. જાહેર બાંધકામ, રસ્તાઓ, પૂલોની પણ આપણે ત્યાં એવી જ સ્થિતિ છે. ફરી આવી હોનારત બનશે એટલે આપણી ધર્મ અને અઘ્યાત્મીક સંસ્થાઓ બઘું કામ ઉપાડી લેશે. તો પછી સરકાર કે કાયદાના રખેવાળોએ શું કરવાનું? જાપાન જ નહીં વિશ્વના તમામ વિકસીત કે ટચુકડા દેશોની પોતાની સરકારની, બાંધકામના નિયમોના અમલ માટેની, સંશોધનની અલાયદી સીસ્ટમ છે. કડકમાં કડક સજા અને કેસોના ત્વરીત નિકાલની પઘ્ધતિ છે.

જાપાનના ધરતીકંપ પછી વઘુ એક નોંધપાત્ર લાક્ષણિકતા એ પણ જોવા મળી કે આપણને એકપણ તસવીરમાં મૃતદેહો, કાટમાળ નીચે કણસતા માનવીઓ, મૃતદેહોને નીકાળતા કે પછી દબાયેલાઓને કાઢવા માટે ચાલેલું બચાવ કાર્ય જોવા જ ના મળ્યું. જે પણ ઓફિસના કર્મચારીઓ, રાહગીરો કે ધારાસભામાં હાજર નેતાઓને બતાવાયા તેઓ ધરતીકંપ વખતે જ પ્રમાણમાં ઘણી જ સ્વસ્થતા સાથે તેમની સમતુલા જાળવતા કે ટેબલ પર પડેલ કમ્પ્યુટરને બચાવવા પ્રયત્ન કરતા હતા! જાપાનની સરકારે તરત જ ટીવી ચેનલોને આદેશ આપી વિશ્વને શું બતાવવું તે નિર્ણય લઇ લીધો હતો. દેશના નાગરિકોમાં ‘પેનિક’ ના ફેલાય અને મનોબળ ભાંગી ના પડે તે માટે આવા દ્રશ્યો પર સેન્સર કે સ્વૈચ્છીક આચારસંહિતા જોવા મળી. આપણે ત્યાં કમકમાટી ઊભું કરતું દ્રશ્ય કદાચ એવોર્ડને પાત્ર ઠરે!

જાપાના ધરતીકંપ બાદ આથી જ આપણે મોટરો, સ્ટીમરો તણાતી જોઇ, રીફાઇનરીની આગ પણ બતાવાઇ પણ, એક પણ પીડીત માનવી ના જોઇ શક્યા. રાહત કેમ્પ પણ નહીં. તે પછી પરમાણુ ઉર્જા કેન્દ્રમાં આગ લાગી તો પણ ખસેડાતા હજારો માનવી કે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કાર્યવાહીની વિશ્વની દાદ મેળવવા માટે પણ, ઝલક સુઘ્ધા ના બતાવાઇ.

ભારતની પ્રજા, નગરસેવકો, મીડિયા અને બિલ્ડરોએ જાપાનને આફતના સમયનું રોલ મોડેલ બનાવવા જેવું છે.


વિવિધા – ભવેન કચ્છી (Credit: Gujarat Samachar)

Random Posts

About Alpesh Mansata

I am a 25-year-old guy living at a beautiful green city Pune . I have a post graduate degree in Information Technology from K.S.School of Business Management and Research. A Zend certified PHP5 Engineer with over 4 years of experience working with PHP, AJAX, MySql and the Mambo/Joomla CMS. In my full-time job, I am a Senior Software Engineer working at Xoriant. Most recently, I have been working on SchoolFinder module on www.education.com In my spare time (if there is such a thing), I volunteer with the Rotaract club of Ahmedabad Airport.
This entry was posted in Alpesh Mansata. Bookmark the permalink.

One Response to જાપાનને આફતના સમયનું રોલ મોડેલ બનાવવા જેવું છે ..

  1. Jigar Mehta says:

    Agree! Thanks for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>