સ્કૂલોમાં આજકાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને ગરીબ
વર્ગના વાલીઓ દેખાદેખીથી પોતાને પરવડતું ન હોય તો પણ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. અગાઉ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગના વાલીઓ એવી દલીલ કરતા હતા કે, ”શું કરીએ? અમારે તો બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું છે, પણ ત્યાં હવે સમાજના નીચલા થરનાં બાળકો જ ભણવા આવતાં હોય છે. આવાં બાળક સાથે રહીને અમારાં બાળકના સંસ્કાર બગડી ન જાય?” આ દલીલ હવે કામ આવે તેવી નથી, કારણ કે હવે તો ગરીબો પણ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંડયા છે. હવે તો આ માબાપોને એવું કહેવાનું મન થાય છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું હોય તો પણ તેને માતૃભાષાના શિક્ષણથી વંચિત રાખવું ન જોઈએ. આજે આપણી માતૃભાષાને બચાવવા માટે ેજેટલી અસર ધર્મગુરુઓની થઈ શકે છે, તેટલી કદાચ બીજા કોઈની ન થાય. આજે જો મોરારી બાપુ, પ્રમુખ સ્વામી વગેરે સંતો માબાપોને તેમનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાની પ્રેરણા કરે તો તેમના લાખો અનુયાયીઓ આ પ્રેરણા ઝીલી શકે તેમ છે. હમણાં વિદ્વાન જૈન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજનું ‘શિક્ષણની સોનોગ્રાફી’ નામનું પુસ્તક વાંચવાનું થયું. આ અફલાતૂન પુસ્તકમાં મુનિરાજશ્રીએ એક આખું પ્રકરણ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાથી આપણી સંસ્કૃતિનો કેવી રીતે નાશ થાય છે, તે સમજાવવા માટે લખ્યું છે. મુનિશ્રી કહે છે, ”કોઈપણ જનસમૂહની ખાસિયતો, તેની પરંપરાગત સંસ્કૃતિ, પ્રજાને વારસામાં મળેલા નૈતિક મૂલ્યો વગેરેને તે પ્રજાની ભાષા સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. આથી જ ભાષાને સંસ્કૃતિવાહક કહી શકાય.” બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવનારા માબાપો પોતાનાં બાળકના બૌદ્ધિક વિકાસને રૃંધવા ઉપરાંત માતૃભાષા સાથે વણાયેલી આખી સંસ્કૃતિથી જ બાળકને વિમુખ બનાવી દેવાનું કાર્ય કરે છે.
અંગ્રેજી ભાષાની ડિક્ષનરીમાં ‘ઘી’ શબ્દનો અંગ્રેજી પર્યાય નહીં મળે. અંગ્રેજી ભાષામાં ‘ઘી’ નામનો શબ્દ જ નથી. ‘ઘી’ને તેઓ ‘બટર ઓઈલ’ કહે છે. આ બે તદ્દન અલગ વસ્તુઓ છે. ‘ઘી’ શબ્દ સાથે એક આખી સંસ્કૃતિ સંકળાયેલી છે. ‘ઘી’ યાદ કરીએ એટલે ગીરની ગાયોનો મધુર ઘંટારવ કાનમાં ગુંજવા લાગે અને તેમનું શેડકઢું ધારોષણ દૂધ પણ યાદ આવે. આવું દૂધ પીવાનું હવે તો શહેરી નાગરિકોના ભાગ્યમાં જ નથી રહ્યું. તેમણે તો ડેરીના ઠંડા અને વાસી દૂધથી જ સંતોષ માનવો પડે છે. ‘ઘી’ શબ્દ સાથે થીજેલું દહીં, અમૃતતુલ્ય છાસ, ઘમ્મરવલોણું, છાસમાં તરતું માખણ, તાવડો અને સોડમ સંકળાયેલા છે. ‘બટર ઓઈલ’ શબ્દમાં આ સંસ્કૃતિનું નામનિશાન જોવા નહીં મળે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને જો ‘ઘી’ વિષે નિબંધ લખવાનું કહેવામાં આવશે તો તે લખશે, ‘બજારમાં મળતું ડાલ્ડા ઘી મને બહુ ભાવે છે.’ શુદ્ધ ઘી અને ડાલ્ડા વચ્ચે જેટલો ફરક છે, તેટલો ફરક માતૃભાષા અને અંગ્રેજી માધ્યમ વચ્ચે છે.
અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૃપીસ ટેન થાઉસન્ડ ઓન્લી’ એમ લખીએ છીએ. દસ હજારને બદલે દસ લાખ રૃપિયાનો ચેક હોય તો પણ ‘રૃપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૃપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે. આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો? ‘રૃપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે. શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.
ગુજરાતી ભાષામાં સગપણ સૂચવવા માટે જેટલા શબ્દો છે, તેના દસમા ભાગના શબ્દો પણ અંગ્રેજીમાં નથી. અંગ્રેજીમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, હસબન્ડ, વાઈફ, અંકલ, આન્ટી, નેવ્યુ, નીસ, સન, ડોટર, કસીન એવા એકાદ ડઝન શબ્દોમાં સંબંધો સંકેલાઈ જાય છે. તેની સામે ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ જુઓ ઃ પિતાશ્રી, માતુશ્રી, ભાઈ, ભાભી, બહેન, બનેવી, નણંદ, નણદોઈ, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, સાળો, સાળાવેલી, સાળી, સાઢુભાઈ, કાકા, કાકી, મામા, મામી, ફોઈ, ફુઆ, માસા, માસી, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ, પૌત્ર, પૌત્રી, દાદા, દાદી, નાના, નાની, દોહિત્ર, દોહિત્રી, ભત્રીજો, ભત્રીજી, ભાણિયો, ભાણી, સાસુ, સસરા, વેવાઈ, વેવાણ, પતિ, પત્ની, ભાભુ, ભાઈજી, કાકાજી, કાકીજી, મામાજી, મામીજી, માસાજી, માસીજી, ફોઈજી, ફુઆજી વગેરે.
ગુજરાતી ભાષાનો આ શબ્દવૈભવ જ નથી પણ ગુજરાતી પ્રજાનો આ સંબંધવૈભવ છે. માતૃભાષાના ધાવણ પીને ઉછરેલાં બાળકો આ દરેક સગપણનો વૈભવ માણી શકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોના સંબંધોની સૃષ્ટિ પણ એકાદ ડઝન લોકો સુધી સિમિત થઈ જાય છે. માતૃભાષા માતાના ધાવણ જેવી છે તો અંગ્રેજી માધ્યમ ડબ્બામાં પેક બેબીફૂડ છે. બેબીફૂડનો આહાર કરનારી પ્રજા આખી જિંદગી માંદી જ રહે છે.
અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્રૂરતા વણાયેલી છે, એટલે તેમાં ક્રૂરતાસૂચક શબ્દો બહુ જોવા મળશે. ગુજરાતીમાં ખૂન અથવા હત્યા શબ્દના ભાગ્યે જ બે-ત્રણ પર્યાયો મળશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોની સંસ્કૃતિ હત્યાની નિષ્ણાત છે. તેમાં હત્યા માટે મર્ડર, એસેસીનેશન, કિલ્લિંગ, હોમિસાઈડ, પેટ્રિસાઈડ, મેટ્રિસાઈડ, જેનોસાઈડ, સ્યુસાઈડ, એક્સટર્મિનેશન, એક્ઝીક્યુશન વગેરે અનેક શબ્દોની ભરમાર જોવા મળશે. ગુજરાતીમાં માંસનો ભાગ્યે જ કોઈ પર્યાય મળશે. અંગ્રેજોની સંસ્કૃતિ માંસાહારીઓની સંસ્કૃતિ છે. આ કારણે જ અંગ્રેજી ભાષામાં માંસ માટે મીટ, મટન, ફ્લેશ, પોર્ક, બીફ, ચીકન, વેનિસન વગેરે અનેક શબ્દો જોવા મળે છે. બાળક શુદ્ધ શાકાહારી અને અન્નહારી બને તેવું ઇચ્છતા માબાપોએ તેને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઈએ.
કોઈ માણસ મરણ પામે ત્યારે અંગ્રેજી ભાષામાં તેનું ‘સેડ ડિમાઈસ’ થાય છે. અંગ્રેજોનું મરણ હંમેશા ‘સેડ’ એટલે કે દુઃખદ જ હોય છે, કારણ કે તેઓ આત્મા, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરેમાં વિશ્વાસ કરતા નથી. આર્ય દેશમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે તેમનો ‘સ્વર્ગવાસ’ થયો તેમ કહેવાય છે. અંગ્રેજી ભાષાના ગુલામો હંમેશા ‘દુઃખદ મરણ’ પામતા હોય છે, જ્યારે માતૃભાષાના પ્રેમીઓ મરીને પણ સ્વર્ગમાં વાસ કરતા હોય છે. જૈન ધર્મમાં તો વળી ‘સમાધિમરણ’ શબ્દ વાપરવામાં આવે છે. ‘સમાધિમરણ’નો અર્થ થાય છે, મનની અદ્ભુત શાંતિપૂર્વકનું, કોઈપણ જાતની હાયવોય વગરનું મરણ. અંગ્રેજી ભાષામાં અને સંસ્કૃતિમાં ‘સ્વર્ગવાસ’ અને ‘સમાધિમરણ’ શબ્દોના કોઈ પર્યાય મળી શકે ખરા?
ગુજરાતી ભાષામાં સવારના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. સવારના નિત્યકર્મ પતાવીને ચોખ્ખા ઘીનો ગરમાગરમ શીરો ખાવો, તેનું નામ શિરામણ. મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં આજે પણ સવારના નાસ્તામાં ગરમાગરમ શીરો ખાવાનો રિવાજ છે. આ ક્રિયાને અંગ્રેજીમાં ‘બ્રેકફાસ્ટ’ કહેવામાં આવે છે. જેઓ ‘બ્રેકફાસ્ટ’ કરે છે તેઓ બ્રેડ, બિસ્કુટ અને કોર્ન ફ્લેક્સ ખાય છે, જે ભારતની આબોહવા માટે જરાય અનુકુળ નથી. જેઓ શિરામણ કરે છે તેઓ ઘીનો શીરો, શેડકઢું દૂધ અને બાજરાના ગરમા ગરમ રોટલા ખાય છે. જેઓ ‘બ્રેકફાસ્ટ’ કરે છે તેઓ વાસી બ્રેડ ઉપર વાસી બટર ખાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળક ‘બ્રેકફાસ્ટ’નો આદતી બની જાય છે. ગુજરાતી માધ્યમમાં ભણનાર બાળક શિરામણની મજા માણે છે.
જેઓ અંગ્રેજી માધ્યમમાં ભણીને દેશી અંગ્રેજ બની જાય છે, તેઓ ગુજરાતી મહિના અને પરદુઃખભંજન વિક્રમ રાજાએ પ્રવર્તાવેલી સંવતથી પણ દૂર ખેંચાઈ જાય છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદસ, પૂનમ, અમાસ વગેરે પર્વતિથિઓ તેમને યાદ પણ નથી રહેતી. તેમના માટે તો દર સપ્તાહે એક જ પર્વ આવે છે, જે રવિવાર, એટલે કે ખ્રિસ્તીઓ માટે દેવળ જવાનો દિવસ હોય છે. વિક્રમના નવાં વર્ષ કરતાં ખ્રિસ્તી નવાં વર્ષની ઉજવણી તેઓ ધામધૂમથી કરે છે. બેસતું વર્ષ, ભાઈબીજ, અક્ષયતૃતિયા, જ્ઞાાનપંચમી, વસંતપંચમી, વિજયાદસમી, મૌન એકાદશી, ગુરુ પૂર્ણિમા, દીવાળી વગેરે તહેવારો અને તેની સાથે વણાયેલી મહાન સંસ્કૃતિ સાથે તેમને સ્નાનસૂતકનો પણ સંબંધ રહેતો નથી. તેમની શાળામાં ક્રિસમસનું મોટું વેકેશન પડે છે, પણ પર્યુષણ કે નવરાત્રિનાં વેકેશન પડતાં નથી. જે બાળકો તિથિને બદલે તારીખો યાદ રાખતા થઈ જાય છે તેઓ ભારતીય ખગોળવિજ્ઞાાનના ભવ્ય વારસાથી પણ વંચિત રહી જાય છે.
કોઈપણ પ્રજાનો જો વિનાશ કરવો હોય અને તેની સંસ્કૃતિને ખતમ કરી દેવી હોય તો તેને તેની માતૃભાષાથી વિખૂટી પાડી દેવી જોઈએ. આપણા માબાપો જાણ્યે-અજાણ્યે આજે આ દુકૃત્ય આચરી રહ્યા છે. જે બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી લેતું તે આગળ જઈને માતાની કે પિતાની સેવા કરનારું થાય તેવી સંભાવના બહુ ઓછી છે. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, તેનો સીધો સંબંધ અંગ્રેજી માધ્યમની વધી રહેલી ઘેલછા સાથે છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલું બાળક પોતાનાં માતાપિતાનું, પરિવારનું, સમાજનું, દેશનું, સંસ્કૃતિનું અને ધર્મનું દુશ્મન જ પેદા થાય તે એક ને એક બે જેવી સરળ વાત છે. આજે આ ભૂલનાં પરિણામો સમાજમાં ચારે કોર દ્રષ્ટિગોચર થઈ જ રહ્યાં છે. આપણા જ પૈસા વડે, આપણા જ ઘરમાં દૂધ પાઈને સર્પને ઉછેરવાનો ઉધમ આપણે કરી રહ્યા છે. ગુજરાતી પ્રજાને આ ઐતિહાસિક મૂર્ખાઈમાંથી ઉગારવા માટે આજે કોઈ જબરદસ્ત નેતાગીરીની તાતી જરૃર જણાઈ રહી છે.
- સુપાર્શ્વ મહેતા (Credit: GujaratSamachar.com)